તારી આંખો, મારી આંખો ભેગી થઇને ચાર બને
ધીમે ધીમે હળવે હળવે થોડો થોડો પ્યાર બને
‘ચિનાર, હું હવે જાઉં છું. તારે આવવું છે મારી સાથે?’
ચિનારને માઠું લાગી ગયું: ‘હાઉ રુડ, ખુમાર? તું તારી પ્રેમિકાને આમ એકલી મૂકીને ચાલ્યા જવાની વાત કરે છે?’
વીસ વર્ષનો ખુમાર અને અઢાર વર્ષની ચિનાર. જ્યારે પ્રેમમાં પડ્યાં ત્યારે આખી કોલેજને ખુશી થઇ હતી. કેટલાક તો એમની પાસે રૂબરૂમાં આવીને કહી ગયા હતા: ‘અમે તો જાણતા જ હતા કે તમારે એકબીજા સાથે પ્રેમમાં પડવું ફરજિયાત છે.’, ‘એવું તમને શેના પરથી લાગ્યું હતું?’ ખુમાર પૂછતો હતો, ચિનાર જવાબ સાંભળવા માટે તત્પર બની જતી હતી.
‘દેખીતી વાત છે, પૂરી કોલેજમાં ખુમારની પડખે શોભે એવી એક જ છોકરી હતી અને તે તું હતી. જસ્ટ બોર્ન ફોર ઇચ અધર. જો ખુમાર સાથે બીજી કોઇ પણ છોકરી ઊભી હોય તો કળાયેલા મોરની બાજુમાં કાગડી ઊભી હોય તેવી લાગે અને ચિનાર, તારી સાથે ભલે ને ગમે તેવો ‘ડેશિંગ’ યુવાન ખડો હોય, તો પણ નમણી નાગરવેલ બાવળના ઠૂંઠાને વળગીને ઊભી હોય તેવું ર્દશ્ય સર્જાય. તમને વિધાતાએ જ સજેઁલાં છે એકમેકને માટે, કોલેજે તો માત્ર તમને મેળવી દીધાં છે.’ આ અભિપ્રાય કોઇ એકલ-દોકલનો ન હતો, કોલેજના તમામ સ્ટુડન્ટ્સનો હતો.
સૌંદર્યની અધિષ્ઠાત્રી ચિનાર અને મર્દાનગીનો માલિક ખુમાર બપોરના સમયે એક ગાર્ડનના એકાંતમાં બેસીને પ્રેમની ભીની ક્ષણો માણી રહ્યાં હતાં. આજે કોલેજમાં રજા હતી. ખુમાર પણ હોસ્ટેલમાં રહેતો હતો અને ચિનાર પણ. એટલે બંનેના મિલન ઉપર કોઇનો પહેરો ન હતો, બંધન ન હતું. આમ્રવૃક્ષની શીળી છાંયમાં બેસીને ચિનાર પૂછી રહી હતી, ‘ખુમાર, તું આખી જિંદગી મને આ રીતે આટલો પ્રેમ કરતો રહીશને?’
‘હા, ચિનાર! તારા મસ્તક પર મારી હથેળીનો છાંયો રહેશે અને તારા પગની પાની નીચે મારા દિલની બિછાત હશે, જીવનભર. તારા રતુંબડા હોઠોમાંથી સરેલો પ્રત્યેક શબ્દ મારે મન આદેશ હશે અને તારા ચહેરા પરનું હર એક સ્મિત મારે મન ઉપહાર હશે. તું મારા માટે જન્માક્ષરોની મેળવણી પછી આવેલી ધર્મપત્ની નહીં હોય, તું તો પાછલા ચોર્યાસી લાખ જન્મોના કોઇ અકળ ઋણાનુબંધના કારણે પ્રાપ્ત થયેલી મારી હૃદયસામ્રાજ્ઞી બની રહીશ. પત્ની માટે આપણી ભાષામાં એક શબ્દ છે: અધાઁગિની. હું તને મારી સવાઁગિની સમજીને જીવનભર તને પૂજયા કરીશ.’
વાતાવરણ પ્રેમપ્રણવ બની ગયું, ત્યાં જ નખરાળી ચિનારે તોફાની મમરો મૂક્યો, ‘જો એમ જ હોય તો, મિ. ખુમાર, તમારી આ સર્વાંગિની તમને હુકમ કરે છે કે અત્યારે જ તમારે એની સાથે શોપિંગ કરવા જવાનું છે.’
‘બાપ રે!’ શોપિંગની વાત સાંભળીને ખુમાર ભડકી ઊઠ્યો, ચિનારના ખોળામાં માથું મૂકીને સૂતો હતો એમાંથી બેઠો થઇ ગયો, ‘ચિનાર, ડાર્લિંગ! તું જો કહેતી હોય તો હું નરક સુધી જવા તૈયાર છું, પણ શોપિંગની વાત રહેવા દે. શોપિંગ? એ પણ તારી સાથે? નેવર!’
ખુમારની વાતમાં વજૂદ હતું. ચિનાર શોપિંગ કરવામાં ખૂબ જ ચીકણી હતી. આવી ચિકાશ કરવી એને ગમતી પણ હતી. એને જે ચીજ ખરીદવી હોય તેમાં પૂરેપૂરો સંતોષ ન થાય ત્યાં સુધી એ દુકાનો બદલતી રહેતી. ખુમાર બેસી-બેસીને થાકી જતો હતો. એટલે જ અત્યારે એણે સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
‘તું મારી સાથે ન આવે તો બીજું કોણ આવશે?’ ચિનારે પ્રેમીને રીઝવવાની કોશિશ ચાલુ કરી દીધી, ‘તને વાંધો શો છે?’
‘તું ખરીદી કરવામાં વાર ખૂબ લગાડે છે. તારું ચાલે તો એક ટાંકણી ખરીદવા માટે તું ટાટાની આખી સ્ટીલની ફેકટરી ખૂંદી વળે! એક નાનું ફૂલ ચૂંટવા માટે પૂરો બગીચો જોઇ નાખે. તે દિવસે તારા ડ્રેસના મેચિંગનો દુપટ્ટો લેવા ગયા હતા, ત્યો તેં ત્રણ કલાક ખર્ચી દીધા હતા. યાદ છે ને? ગણીને ચારસો દુપટ્ટાઓ જોઇ કાઢયા હતા.’
‘પણ જોવા જ પડેને! દુપટ્ટાનું ડ્રેસ સાથે મેચિંગ તો જોવું પડે ને?’, ‘એવું મેચિંગ ન જોવાય, ઓગણીસ-વીસનો ફરક ચલાવી લેવો પડે. જીવનમાં દરેક વસ્તુનો વિકલ્પ સ્વીકારતા શીખવું જોઇએ. સહેજસાજ સમાધાન કરવું પડે.’ ખુમાર પ્રેમિકાને શિખામણ આપતો રહેતો, પણ ચિનારના વર્તનમાં જરા પણ ફેરફાર થતો ન હતો.
એક સાંજે ચિનારનો ‘બર્થ ડે’ હતો, એટલે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. ‘મેનુ કાર્ડ’ વાંચતાં પહેલાં જ ચિનારે ઓર્ડર આપી દીધો, ‘મારા માટે ડ્રાયફ્રૂટ નાન અને અંજીરનો પુલાવ. બાકીનું બધું જે તું મંગાવીશ તે ચાલશે.’ સ્ટુઅર્ડ બાપડો કરગરીને થાકી ગયો, ‘મે’મ, ડ્રાયફ્રૂટ નાન તો અત્યારે શક્ય નથી. અંજીર પુલાવ તો બની જશે. પણ અમારા ‘મેનુ’માં પરાઠા અને નાન માટે તમારી સામે હંડ્રેઝ ઓફ ઓપ્શન્સ છે. તમે ગમે તે પસંદ કરી શકો છો.’
‘નો, નેવર! હું જીવનમાં કોઇ ઓપ્શનથી ચલાવી લેતાં શીખી જ નથી. ખુમાર, લેટ અસ મૂવ ટુ અનધર રેસ્ટોરન્ટ!’ ચિનાર ઊભી થઇ ગઇ. ખુમારે પણ પાછળપાછળ ઘસડાવું પડ્યું. બે-ચાર જગ્યાએ ગયા પછી ચિનારને સમજાયું કે એની પસંદગીની વાનગીઓ ક્યાંય મળી શકે તેમ નથી. પણ એ સાંજે એણે ભૂખ્યા રહેવાનું પસંદ કર્યું, વિકલ્પનો સ્વીકાર કરવાનું નહીં, ‘ગયા વરસે ચંડીગઢમાં મારી કઝિનની બર્થ ડે પાર્ટીમાં મેં આવી ‘નાન’ ખાધી હતી. આપણા અમદાવાદમાં કેમ ન મળે?’ આ એની જીદ હતી, એનો શોખ હતો, એનું ઝનૂન હતું. ધીમે ધીમે ખુમારને સમજાતું ગયું કે આ ચિનારનો સ્વભાવ પણ હતો. એણે ચિનારને પ્રેમ કરવાનું તો ચાલુ રાખ્યું, પણ એની સાથે શોપિંગમાં જવાનું બંધ કરી દીધું. પણ આજે ચિનાર એને છોડવાના ‘મૂડ’માં ન હતી. એણે હાથ ખેંચીને એને ઊભો કરી દીધો, જીદ કરીને સાથે લીધો, પ્રેમ કરીને મનાવી લીધો. ખુમારે ‘બાઇક’ પર બેસતાં પૂછી લીધું, ‘આજે મહારાણી સાહેબાનો વિચાર કઇ દિશામાં ત્રાટકવાનો છે?’
જવાબમાં ચિનારે હાથમાંની પ્લાસ્ટિક બેગમાંથી એક જોડ ચંપલની કાઢીને હવામાં ઝુલાવી દીધી, ‘મારા મામા આપી ગયા છે. અમેરિકામાં રહે છે મામા. ગયા ડિસેમ્બરમાં આવ્યા હતા. ફોન પર મને પૂછ્યું હતું- ‘તારા પગનું માપ શું છે?’ જવાબમાં મેં કાગળ પર પગ મૂકીને પેન્સિલથી માપ ચીતરીને મોકલી આપ્યું હતું.’
ખુમાર જોઇ રહ્યો. સુંદર મજાનાં ચંપલ હતાં. માપસરની એડીવાળાં, ત્રણ નાની-નાની ક્રિસક્રોસ પટ્ટીવાળાં, સોફ્ટ લેધરનાં બનેલાં ચંપલ. દરેક પટ્ટી પર ડાર્ક મરૂન રંગનું વેલ્વેટ મઢેલું હતું. એના કારણે ચંપલની શોભા અતશિય વધી જતી હતી. ખુમારે કહ્યું પણ ખરું, ‘તારા ગોરા પગ સાથે આ ડાર્ક મરૂન રંગ ખૂબ જામશે. પણ આપણે આ ચંપલ લઇને જવાનું ક્યાં છે?’
‘એની સાથે મેચ થાય તેવું ડ્રેસ મટિરિયલ ખરીદવા.’ ચિનાર એવું ખૂબસૂરત સ્મિત કરીને બોલી ગઇ કે ખુમાર ખોવાઇ ગયો. એક ‘કીક’ મારીને એણે બાઇક સ્ટાર્ટ કરી લીધી. બંને જણાં ડ્રેસ મટિરિયલ્સની માર્કેટમાં પહોંચી ગયા.
બપોરના ચાર વાગ્યે ગયા હતા. રાતના આઠ વાગી ગયા, પણ ડ્રેસ ન ખરીદી શકાયો. અઢારથી વીસ દુકાનો જોઇ નાખી. દુકાનોનો તમામ માલ વીંખી નાખ્યો. માળિયા પરથી બાંધેલી ગાંસડીઓ છોડાવીને પીંખી નાખી. સેંકડો નહીં, હજારો ડ્રેસ મટિરિયલ્સ જોઇ લીધાં, પણ છેવટે તો ચિનાર રાણીના મુખેથી એક જ વાક્ય સાંભળવા મળ્યું, ‘ઊંહુ! આમ તો બધું બરાબર છે, પણ કપડાં અને ચંપલની પટ્ટીના કલર વચ્ચે એકાદ શેઇડનો ફરક લાગે છે. પરફેક્ટ મેચિંગ નથી લાગતું. ચાલો, બીજી શોપમાં તપાસ કરીએ.’ રાત્રે નવ વાગ્યે બજાર બંધ થવાનો સમય થયો. દુકાનોનાં શટર્સ પડવા માંડ્યાં. પણ ચિનાર હજુ થાકી ન હતી. ખુમારની ધીરજે હવે જવાબ દઇ દીધો, ‘ચિનાર, હું હવે જાઉં છું. તારે આવવું છે મારી સાથે? કે પછી બધી દુકાનો બંધ થઇ ગયા પછી એકાદના પાટિયા પર સૂઇ રહેવું છે?’ ચિનારને માઠું લાગી ગયું: ‘હાઉ રુડ, ખુમાર? તું તારી પ્રેમિકાને આમ એકલી મૂકીને ચાલ્યા જવાની વાત કરે છે?’
‘હા, અને ભવિષ્યમાં ફરીથી ક્યારેય તારી સાથે શોપિંગમાં નહીં આવવાનીયે પ્રતજિ્ઞા કરું છું. યુ આર ક્રેઝી! અરે, ચંપલ જાય ભાડમાં, આટલાં બધાં સુંદર ડ્રેસ મટિરિયલ્સમાંથી ગમે તે એક-બે ખરીદી લે ને! પછી એને મળતાં ચંપલ ખરીદી લેજે. અમેરિકાના ચંપલ સાથે અમદાવાદી કાપડનો રંગ કેવી રીતે...?’, ‘તું તો જ્યારે જુઓ ત્યારે વિકલ્પોની જ વાત કરે છે. આઇ ડોન્ટ લાઇક વર્ડ્ઝ લાઇક ઓપ્શન્સ.’, ‘ધેન યુ ગો ટુ હેલ!’ ખુમારની ખોપરી ફાટી, એણે આવેશમાં ને આવેશમાં બાઇક પર બેસીને ‘કીક’ મારી દીધી. ચિનાર કંઇ બોલે કે એને રોકે તે પહેલાં તો ધુમાડાનું વાદળ પાછળ છોડીને એ ચાલ્યો ગયો.
બે પ્રેમીઓ છુટા પડી ગયા. ચિનાર પણ અંતે તો માનુની હતી. મબલખ રૂપની સામ્રાજ્ઞી હતી. પ્રેમી આવું અપમાન કરે તો એ શા માટે સાંખી લે?! બંને છુટાં પડ્યાં એ વાતને પંદર વર્ષ થઇ ગયાં. તાજેતરમાં એક મેરેજ રિસેપ્શનમાં અચાનક બંને પાછાં મળી ગયાં. પાંત્રીસ વરસનો ખુમાર આજે પણ એવો ને એવો ચુસ્ત-દુરસ્ત, ડેશિંગ હેન્ડસમ દેખાઇ રહ્યો હતો. અને ચિનાર એવી ને એવી ખૂરસૂરત.
‘હાય! ખુમાર તું અહીં ક્યાંથી? શું કરે છે? ક્યાં છે? પરણ્યો-બરણ્યો કે નહીં?’ ચિનારે ભૂતકાળની કડવાશને ભૂલી જઇને સવાલોની ઝડી વરસાવી દીધી.
‘આજકાલ દિલ્હીમાં છું. સારો એવો બિઝનેસ છે. મેરેજ કર્યા હતા, પણ બે જ મહિના પછી ‘ડિવોર્સ’ થઇ ગયા. બીજી સ્ત્રી સાથે જોડાયા પછી સમજાયું કે તારામાં તો માત્ર એક જ દોષ હતો, એનામાં તો એવી અસંખ્ય બાબતો હતી જે મને ગમતી ન હોય. બસ, હવે એકલો છું, હું છું, મારો ભૂતકાળ છે અને મીઠી યાદો છે. જિંદગી પસાર થઇ રહી છે. તું શું કરે છે?’
‘બસ, પંદર વર્ષ પહેલાં જે જગ્યાએ તેં મને છોડી દીધી હતી, ત્યાં જ ઊભી છું.’ ખુમાર ચોંકી ગયો, ‘કેમ, એવું બોલે છે? લગ્ન નથી કર્યા કે શું?’
‘ના, નથી કર્યા.’ ચિનારની આંખો ભીની થઇ ગઇ, ‘મુરતિયાઓ તો ઘણા બધા જોઇ નાખ્યા, પણ ગમ્યો એકેય નહીં. મારી સાથે ‘મેચિંગ’ તો થવું જોઇએને? અને તને તો ખબર છે, હું વિકલ્પોને સ્વીકારી શકતી નથી. જે યુવતી ચંપલની પટ્ટીનું પણ મેચિંગ શોધતી હોય તે જીવનસાથીની બાબતમાં સમાધાન શી રીતે કરી શકે?’
‘જૂનું મેચિંગ ફરીથી મળી જાય તો તું સ્વીકારી લે ખરી?’ ખુમાર પૂછી બેઠો. દૂર મંચ પર નવદંપતી ઊભાં હતા, અહીં બીજા એક રિસેપ્શનની શરણાઇ ગૂંજવા લાગી હતી.
Comments
Post a Comment
Thanx For Comment