સત્ય ઘટના: ના, તું મળે, તારા નગરની બસ હવા મળે તોયે ઘણું છે


ના, તું મળે, તારા નગરની બસ હવા મળે તોયે ઘણું છે, શ્વાસને તો આવ-જા મળે

ધીમે ધીમે વ્યાપ્તિના મનમાં વેદ વિશેની એક કલ્પનામૂર્તિ રચાતી ગઇ. એક સુંદર અને સ્માર્ટ છોકરાની રમ્ય છબી ઊપસતી ગઇ. પછી તો રોજ કસમના મુખેથી વ્યાપ્તિ એના આ મનગમતા નામને સાંભળતી રહી.

ગર્લ્સ હોસ્ટેલમાં રહીને હાઇસ્કૂલમાં ભણતી બે સહેલીઓ. એકનું નામ વ્યાપ્તિ, બીજીનું નામ કસમ. તાજી તાજી જ ઘર અને પરિવારને છોડીને છાત્રાલયમાં આવેલી હતી. જીભ ઉપર મમ્મીના હાથની રસોઇનો સ્વાદ અને મન ઉપર પપ્પાની સખતાઇની ધાક બંને અકબંધ હતાં. બંને છોકરીઓ નવમા ધોરણમાં ભણતી હતી. વધુ સારા અભ્યાસ માટે જ અમદાવાદમાં આવી હતી, બાકી એ કંઇ સાવ નાના ગામડામાંથી નહોતી આવતી. બંને એક જ શહેરની છોકરીઓ હતી એટલે પ્રથમ મુલાકાતમાં જ ગાઢ સહેલીઓ બની ગઇ. ગૃહમાતાએ પણ આ જાણીને બેયને માટે એક રૂમ ફાળવી દીધો.

‘વ્યાપ્તિ, તારા ફેમિલીમાં કોણ કોણ છે?’ કસમે એક વાર રાતના ભોજન પછી આડા પડતાં વાત કાઢી. ‘પપ્પા છે. મમ્મી છે. મોટાભાઇ છે, જે બારમા ધોરણમાં ભણે છે. એક નાનો ભાઇ છે, જે સાતમામાં છે. તારા ફેમિલીમાં કોણ કોણ છે?’ વ્યાપ્તિએ પણ પૂછી લીધું. જવાબમાં કસમ છોકરી મટીને વાતોની ટોકરી બની ગઇ. મમ્મી, પપ્પા, બે મોટાભાઇઓ,ઘર, ઓરડા, રસોડું, ફિળયું, ટી.વી., પડોશીઓ, પાળેલો કૂતરો, પડોશીની બિલ્લી...! છોકરીઓને શરૂઆતથી જ મા સરસ્વતીનું વરદાન હોય છે. એમની પાસે મજાના શબ્દો હોય છે અને ખજાના ભરીને વાતો હોય છે. વ્યાપ્તિ સાંભળતી રહી, પણ તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચતું એક નામ હતું એના મોટાભાઇનું. એને બે મોટાભાઇઓ હતા, પણ એ બેમાં જે નાનો હતો તે વેદ કસમથી માત્ર બે જ વરસે મોટો હતો.

‘લાગે છે કે તારે અને વેદને બહુ સારું બનતું હશે!’ વ્યાપ્તિ પૂછી બેઠી. જવાબમાં ‘વેદ? અરે, વેદ તો મારો ગમતો ભાઇ છે. વેદ એટલો હેન્ડસમ છે. એટલો સ્માર્ટ છે. એટલો આનંદી છે...’ એ પછીનો એક કલાક કસમનું ‘વેદપુરાણ’ ચાલતું રહ્યું. કોઇપણ છોકરાનું વર્ણન જ્યારે એની બહેનના મુખેથી થઇ રહ્યું હોય, ત્યારે એ માત્ર કોરું કોરું વર્ણન નથી હોતું, પણ એમાં ભીનું ભીનું વહાલ પણ ભળેલું હોય છે. વ્યાપ્તિ કસમના વહાલને સાંભળતી રહી. ધીમે ધીમે એના મનમાં વેદ વિશેની એક સુંદર અને સ્માર્ટ છોકરાની રમ્ય છબી ઊપસતી ગઇ. પછી તો રોજ આખા દિવસમાં કંઇ કેટલીયે વાર કસમના મુખેથી વ્યાપ્તિ એના આ મનગમતા નામને સાંભળતી રહી. કસમ તો સહજ રીતે જ એના ફેમિલીની વાત કરે ત્યારે વેદને પણ યાદ કરી લેતી, પણ વ્યાપ્તિની હાલત એવી થઇ ગઇ હતી કે એ જાણે વેદ વિશે જ કંઇક નવું જાણવા-સાંભળવા તરસતી રહેતી હતી!

બે વર્ષ પસાર થઇ ગયાં. વચ્ચે વેકેશનમાં બંને બહેનપણીઓ જ્યારે ઘેર ગઇ હતી, ત્યારે એક દિવસ સાંજના સમયે વ્યાપ્તિ ખાસ વેદને જોવા માટે જ નોટ્સને બહાને કસમને મળવા ગઇ હતી. હજુ તો એ બહારના ઓરડામાં બેઠી જ હતી, ત્યાં એક તરવરિયો છોકરો હાથમાં બેટ લઇને ઘરની બહાર દોડી ગયો. કસમે એને રોકવા માટે બૂમ પાડી, ‘વેદ, મારી ફ્રેન્ડ આવી છે, એને મળ તો ખરો!’ પણ એ ન રોકાયો. ‘મારે ક્રિકેટ રમવામાં મોડું થાય છે. તારી ફ્રેન્ડ ક્યાંય ભાગી નથી જવાની. ફરી ક્યારેક મળાશે.’ હવામાં વેદનો અવાજ રહી ગયો.

વ્યાપ્તિને જરાક માઠું તો લાગ્યું જ. ક્યાંય ભાગી નથી જવાની એટલે? એ કહેવા શું માગે છે? જો ભાગી જઇશ ને તો, જીવનભર હાથ ઘસતા રહી જશો, વેદ મહાશય. મારા જેવી પ્રેમિકા તમને જગતભરમાં ક્યાંય નહીં મળે, જે તમારું ‘થોબડું’ જોયા વગર જ તમને ચાહવા લાગે! પણ આ બધું મનમાં પરણવાનું અને મનમાં રાંડવા જેવું હતું. શરમની બેડી હોઠો પર પડી હતી એ ક્યાં તૂટતી હતી?! છેવટે બારમા ધોરણમાં આવ્યાં, ત્યારે એક દિવસ વ્યાપ્તિએ કસમને વાત કરી દીધી, ‘કસમ, સાડા ત્રણ વર્ષથી હું મૂંઝાયા કરું છું. મારે તને કંઇક કહેવું છે, પણ કહી નથી શકતી. આજે લાગે છે કે જો હવે નહીં કહું તો કદાચ એને હું કાયમને માટે ગુમાવી દઇશ.’

‘તું કોને ગુમાવી દેવાની વાત કરે છે?’ કસમે પૂછ્યું. ‘તારા ભાઇ વેદને. હું એને પ્રેમ કરું છું. મેં કોઇને આ વાતની જાણ નથી કરી. વેદને પણ નહીં. ડરું છું કે ક્યાંક એ મને ના ન પાડી દે.’ કસમ તો આ વાત સાંભળીને ઊછળી જ પડી. એની ‘બેસ્ટ ફ્રેન્ડ’ ભાભી બનીને આવે એ તો કેવી મજાની વાત કહેવાય! એ વ્યાપ્તિને વળગી પડી. વ્યાપ્તિનું દિલ હજુ પણ ધબકવાનું ભૂલીને ફફડવાનું કામ ચાલુ રાખી રહ્યું હતું. એણે સહેલીને વચનમાં બાંધી લીધી, ‘ના, કસમ! તને મારી કસમ છે. તું આ વાત વેદને કે બીજા કોઇને ન કહીશ. મારો પ્રેમ કદાચ એકતરફી નીકળે અને વેદના દિલમાં એવું કંઇ ન હોય, તો મારું જીવવું મુશ્કેલ બની જશે.’

શરમીલી છોકરી ખામોશીના પડાવ પર ઊભી રહી ગઇ, સમય નફ્ફટ બનીને તેજ રફતારે ભાગતો રહ્યો. એક દિવસ કસમે જ વ્યાપ્તિને સમાચાર આપ્યા, ‘હવે આપણે કોલેજમાં ભણીએ છીએ. એકાદ વર્ષ પછી આપણાં લગ્નની વાત શરૂ થશે. મને લાગે છે કે તારે અને વેદભાઇએ હવે આ બાબતની ચર્ચા કરી લેવી જોઇએ.’ વ્યાપ્તિને પણ આ વાતમાં દમ લાગ્યો. એણે સંમતિ આપી એટલે કસમે એના મોટાભાઇને જાણ કરી. વેદ આશ્ચર્ય પામી ઊઠ્યો, ‘અરે! તારી ફ્રેન્ડ તો મને પણ વર્ષોથી ગમે છે.

મને શી ખબર કે એ મનોમન મને ચાહતી હશે?’ એ પછી વેદે એકવાર વ્યાપ્તિને એકાંતમાં મળવાની ઇચ્છા વ્યક્ત કરી. એના ઘરમાં જ બંને મળ્યાં. વેદ એક પુખ્ત સમજણ ધરાવતો યુવાન હતો. એણે લગ્નના અને જિંદગીના કેટલાક ગંભીર મુદ્દાઓ વિશે ચર્ચા કરી. વ્યાપ્તિએ જે જવાબો આપ્યા, એનાથી વેદને સંતોષ થયો. એણે કહી દીધું, ‘હું લગ્ન માટે રાજી છું. મારાં મમ્મી-પપ્પાને સંમત કરવાની જવાબદારી મારી અને તારાં મમ્મી-પપ્પાને રાજી કરવાની જવાબદારી તારી.’

બંને છુટાં પડ્યાં. એ પછી આજ દિન સુધી એ બંને ક્યારેય મળ્યાં નથી. એવું શું થયું કે એકબીજાને પ્રગાઢપણે ચાહતી બે વ્યક્તિઓ એક થઇ ન શકી? બીજું કંઇ નહીં, માત્ર લજજા, શરમ, સંકોચ, છોકરીની જાત થઇને ‘હું કોઇને પ્રેમ કરું છું’ એવું મા-બાપને ન કહી શકવાની મર્યાદા. વ્યાપ્તિ લાખ કોશિશ પછી પણ ઘરમાં આ વાત કોઇને ન કરી શકી. ન એ પત્ર લખીને કે કોઇ સખી દ્વારા મમ્મી-પપ્પા સુધી પોતાની લાગણી પહોંચાડી શકી.

એક વર્ષ પછી એના પપ્પાએ એના માટે સારો છોકરો શોધી કાઢ્યો. વિકાસ સાથે પહેલાં એની સગાઇ અને પછી લગ્ન થઇ ગયાં. એ પછી વેદ પણ પરણી ગયો. બધું બરાબર છે, બધાં જ પાત્ર સુખી છે. પોપટ આંબાની ડાળ, પોપટ સરવરની પાળ...! પણ પોપટીમાં હવે હિંમત આવી ગઇ છે. એક સાંજે એણે એના પતિને કહ્યું, ‘બેસો, મારે એક કબૂલાત કરવી છે. આજથી પચીસ વર્ષ પહેલાં જ્યારે હું નવમામાં ભણતી હતી ત્યારે...’ નત મસ્તકે, પોપચાં ઢાળીને, ધીમા અવાજે વ્યાપ્તિ બોલતી ગઇ. જે વાત મમ્મી-પપ્પાને જણાવી શકી ન હતી, તે વાત પોતાના જીવનસાથી સમક્ષ દાગીનાની પોટલીની જેમ ખોલતી ગઇ. છેલ્લે એણે કોઇ પતિ સહન ન કરી શકે તે વાત પણ કરી નાખી, ‘વિકાસ, તમે ખૂબ સારા છો, પણ વેદ મારો પ્રથમ પ્રેમ હતો. હજુ પણ ક્યારેક એ મને સપનામાં આવે છે. આવતા મહિને અમારા પ્રેમની સિલ્વર જયુબિલી આવી રહી છે. હું એને એક પત્ર લખવા માગું છું. લખું?’

વિકાસ હસ્યો, ‘લખને! પણ મને વંચાવજે ખરી. જોઉં તો ખરો કે તું કેવું લખી શકે છે! આટલી બધી ડરપોક તે થવાતું હશે? તેં સહેજ હિંમત કરી હોત તો આજે તું વેદની સાથે હોત! પણ મારા માટે તો સારું જ થયું. બીજાએ ખરીદેલી ટિકિટ પર લોટરી મને લાગી ગઇ.’ વ્યાપ્તિ તો ડઘાઇને પતિને વળગી જ પડી, ‘વિકાસ! તમને મારામાં આટલો બધો વિશ્વાસ છે?’ વિકાસે એને ચૂમી લીધી, ‘વિશ્વાસ પણ છે અને પ્રેમ પણ છે, ગાંડી! અને મને વેદની સજજનતા વિશે પણ માન છે. આટલાં વર્ષોમાં એક પણ વાર એણે આપણા ઘરે આવીને તને મળવાનો પ્રયત્ન નથી કર્યો. તારે જો સલામ કરવી હોય તો અમને બંનેને કર!’

Comments