- 'સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી એ જ જિંદગી નથી...’
- વિધિ લગ્ન પછી ઘણા વર્ષે જન્મી હતી અને પછી બેલડાના દીકરા જન્મવાથી સગુણાબહેન અને દિવાકરભાઇને એ ખૂબ વહાલી. પરંતુ વિધિની વક્રતાને કોણ જાણી શક્યું છે?
- સગુણાબહેન વિધિને પલંગ પર સૂતેલી જોઇ રહ્યાં. લાઇફ સપોર્ટિંગ સિસ્ટમને લીધે નિશ્ચેતન દેહ જાણે કે શ્વાસ લઇ રહ્યો હતો
'ડો ક્ટર શું કહે છે બેટા?’ કંઇ કેટલીય વાર સગુણાબહેન આ પ્રશ્ન પૂછતાં હતાં. પરંતુ દીકરો પણ શું જવાબ આપે? વાત ફેરવતાં દીકરો સુજય બોલ્યો, 'મમ્મી, આ તમારું ટિફિન અને આમા મોસંબીનો જ્યુસ છે.’
સગુણાબહેન સમજી ગયા સામે દીકરી વિધિ પથારીમાં સૂતી હતી. લાઇફ સપોર્ટિંગ સિસ્ટમથી તેની છાતી ઊંચી-નીચી થતી હતી એટલું જ, બાકી કાયા જાણે તદ્દન નિશ્વેત થઇ ગઇ હતી. ડોક્ટરોની આવનજાવન ચાલુ હતી. દીકરીનાં નાક તથા હાથ પર ખોસેલી અનેક નળીઓ તરફ સુમનબહેન જોઇ રહ્યાં.
'મમ્મી...’ સુમનબહેનનાં ખભે હાથ મુક્તાં સુજય બોલ્યો, 'એક અઠવાડિયાથી ઓફિસે નથી ગયો. આજે તો જવું જ પડશે.’ દીકરાનાં અવાજમાં નોકરીની લાચારી ટપકતી હતી.
'વાંધો નહીં દીકરા, માલા વહુએ બધું મોકલી તો દીધું જ છે અને અહીં બીજા કોઇનું તો કામ નથી. હું એક અહીં બરાબર છું. જરૂર પડશે તો તમારામાંથી કોઇને પણ મોબાઇલ કરી દઇશ. જરાય ચિંતા ન કરતો.’ સગુણાબહેને શાંતિથી જવાબ આપ્યો.
બે દીકરા અને બે વહુ હતા. દીકરા સુજય તથા સુજલ બેલડાનાં હતા અને સુજયની પત્ની માલાને પાંચ વર્ષનો એક પુત્ર તથા સુજલની પત્ની સંગીતાને બે વર્ષની એક પુત્રી. પતિ તો દસ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. પતિ દિવાકર સાથેનાં સુખદ દામ્પત્યની દરેક ક્ષણો વાગોળી ઘણી વાર સગુણાબહેન મનને હળવું કરી લેતા.
'મમ્મી, હું જાઉં છું.’ સુજયના અવાજથી ફરી સગુણાબહેનની તંદ્રા તૂટી.
'હા, બેટા, ચિંતા ન કરતો.’
'સાંજે સાડા-છ સાતે આવી જઇશ. સુજલ રીસેસમાં આવી જશે તથા બપોરે રસોડું પતાવી એક વાર માલા કે સંગીતા આવી જશે.’
'ભલે...’ સગુણાબહેન બોલ્યાં.
સુજય ગયો. સગુણાબહેન તેની પીઠને તાકતાં રહી ગયા. બંને દીકરા અને વહુ તથા તેમનાં બાળકોનો સરસ પરિવાર હતો, પરંતુ આ મોટી દીકરી વિધિ... ફરી તે ક્યાંક ખોવાઇ ગયા.
'જો લાલ પતંગ તારો અને લીલો પતંગ તારો,’ તેર વર્ષની વિધિ બંને ભાઇઓને સમજાવતી હતી.
'દીદી, તારો?’ સાત વર્ષનો સુજલ પૂછતો હતો.
'હું વારાફરતી તમારા બંનેની ફિરકી પકડીશ બરાબર.’ એક પરિપકવ બહેનની જેમ વિધિએ જવાબ આપી બંનેનું સમાધાન કર્યું. પહેલું સંતાન દીકરી વિધિ - દિવાકર અને સગુણાને પાંચ વર્ષે આવેલી તેથી ખૂબ જ વહાલી. વિધિ પણ પહેલેથી જ ડાહી અને ભણવામાં પણ અવ્વલ નંબરે રહેતી તેથી માતા-પિતા તરીકે બંનેને તેમની દીકરી પર ગર્વ હતો. વળી વિધિના જન્મ બાદ પાંચ વર્ષે બેલડા દીકરાનો જન્મ થતાં વિધિ તેમના માટે નસીબદાર સાબિત થઇ. બે નાના ભાઇની મોટી બહેન તરીકે વિધિ જાણે વધુ પરિપકવ થઇ ગઇ. ક્યારેક મોટી બહેનની બદલે મા બની જતી.
'બહુ દોડાદોડી ન કરો...’ દિવાકરભાઇએ કહ્યું, 'વર્ષે એક વાર તો સંક્રાન્ત આવે છે, ટક-ટક ના કર.’
સગુણાબહેન હસીને શેરડી છોલવામાં લીન થઇ ગયા. દિવાકરભાઇ કન્ના બાંધવા લાગ્યા.
ત્યાં જ દિવાકરભાઇનાં મોંમાંથી ચીસ નીકળી ગઇ, એક બીજી ચીસ, એક ધબાકો અને ભયભીત સગુણાબહેન ત્યાં જ બેભાન થઇ ઢળી પડયાં. કપાયેલો પતંગ પકડવામાં વિધિની એક ચૂક અને વહાલસોયી દીકરી અગાસી પરથી સીધી નીચે પટકાઇ. તુરંત એમ્બ્યુલન્સ, ડોકટર્સ, હોસ્પિટલ, આઇ. સી. યુ. ઓપરેશન અને અંતે......
'છોકરી બચી ગઇ છે, પરંતુ મગજની પાછળનાં ભાગની એક બારીક નસ એટલી ડેમેજ થઇ ગઇ છે કે અમે તેમાં આનાથી વધુ કંઇ કરી શકીએ તેમ નથી.’ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા.
'તેના કારણે દીકરી પર શું અસર થશે?’ ભાંગી પડેલાં મા-બાપ પૂછતાં હતાં.
'થોડી માનસિક પંગુતા...’ ડોક્ટરે સમજાવતાં કહ્યું, 'તમારી દીકરી માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ નહીં રહે.’ હેબતાઇ ગયાં બંને.
લાચાર મા-બાપ અનેક ડોકટર્સ પાસે ફર્યા પરંતુ બધેથી એક જ ઓપિનિયન. ભાંગી પડેલાં સગુણાબહેનને ભાંગી પડેલા દિવાકરભાઇ દિલાસો દેતાં, 'સગુણા, જિંદગીમાં હંમેશાં દુ:ખની બાદબાકી અને સુખનો સરવાળો હોતો નથી. ક્યારેક દુ:ખનો સરવાળો તથા સુખની બાદબાકી પણ થતી રહે છે.’
ત્યારથી પતિ-પત્ની માટે જીવનનો ધ્યેય જાણે વિધિ બની ગઇ હતી. વિધિનું ભણવાનું તો મૂકાઇ જ ગયું, પરંતુ તેના વિચિત્ર વર્તનને કારણે બહાર કે વ્યવહારિક કામે પણ જવાનું પતિ-પત્નીએ ઓછું કરી નાખ્યું. નાના ભાઇઓ સુજય અને સુજલ પણ હજુ નાસમજ હતા.
સમયનાં ચક્ર સાથે મોટા થતાં ભાઇઓમાં સમજણ આવી અને તેઓ પણ મા-બાપની સાથે પોતાની વહાલસોયી મોટી બહેનની સંભાળ લેતાં. આ જોઇ મા-બાપનાં જીવને શાતા વળતી, પરંતુ કુદરતની આ વકતા બંનેનું હૈયું કોરી ખાતી. અર્ધપાગલ દીકરીને જોઇ બંનેની આંતરડી કકળી ઊઠતી. સુજય અને સુજલ ભણવામાં હોશિયાર હતા. તેથી બંને એન્જિનિયર થઇ સારી ફર્મમાં જોડાઇ ગયા. બંને વહુ ગુણીયલ તથા ખાનદાન કુટુંબની હતી. તેથી બધા સંપીને એક ઘરમાં રહેતાં હતાં. પરંતુ દીકરાના ઘરે પારણું બંધાય એ પહેલાં દિવાકરભાઇએ વિદાય લીધી. એ હાર્ટએટેક અને તેમણે આંખ મીંચી દીધી. આઘાત સહેવા ટેવાયેલાં સગુણાબહેને આ આઘાત પણ પચાવી લીધો.
હવે ઉંમરનાં કારણે સગુણાબહેન વિધિને સંભાળતાં થાકી જતાં. ૩પ વર્ષની વિધિને નવડાવવી, માથું ઓળી આપવું વગેરે કામ તેઓ જ કરતાં. વળી કોઇ ઘરે આવવાનું હોય કે ક્યાંક બહાર જવું પડે ત્યારે વિધિને ડાહી થવાની શિખામણો આપ્યા છતાં સગુણાબહેનને સતત ઉચાટ રહેતો. ક્યારેક વહુનું કોઇ સ્વજન કે મિત્રવર્તુળ કે દીકરાઓનાં સ્ટાફનું કોઇ આવે, ત્યારે ઘણું ધ્યાન રાખવા છતાં ક્યારેક વિધિ બેહુદુ વર્તન કરતી. ક્યારેક કપડાં અસ્તવ્યસ્ત કરી નાંખતી તો ક્યારેક અમસ્તું-અમસ્તું હસ્યા કરતી કે આવનાર મહેમાનને કારણ વગર સ્પર્શ કર્યા કરતી જેથી આવનાર અસ્વસ્થ થઇ જતું. સુજય-સુજલને ત્યાં બાળકોનાં જન્મ પછી કામનું ભારણ તથા મહેમાનો સામે ક્યારેક થતું બેહૂદુ વર્તન ક્યારેક સગુણાબહેન સિવાય બધાને કંટાળો આપી જતા.
'દીકરા-વહુ ખરાબ નથી.’ ક્યારેક સગુણાબહેન વિચારતાં, 'પરંતુ તેમની ધીરજની પણ ક્યારેક કસોટી થઇ જાય છે. વહુ તો બિચારી ખાનદાન છે, પરંતુ તેમનું પણ એક સામાજિક વર્તુળ છે. વિધિનું વર્તન તેમને અણગમો પ્રેરે તો તેમાં તેઓનો વાંક નથી.’ કોઇ કંઇ બોલતું નથી, પરંતુ દીકરા-વહુની અંગત જિંદગીમાં આ કારણે કલેશ સર્જાય છે તે સગુણાબહેન સારી રીતે સમજતાં. વળી, વિધિને એવી તો કોઇ બીમારી નથી કે ક્યારેક સારું થઇ જશે. આ જીવનભરનું ભારણ છે જેની અકળામણ બંને વહુઓની આંખો તથા વર્તનમાં ક્યારેક દેખાઇ આવતી.
ત્યાં જ પગથિયેથી નીચે ઉતરતાં વિધિ ગબડી પડી. બેલેન્સ ન રહ્યું અને હાથ કઠેડાથી છૂટી ગયો. દસ પગથિયાં નીચે પડી. તેના મોં તથા નાકમાંથી લોહી વહેવા માંડ્યું. સદનસીબે રવિવાર હોવાથી સુજય-સુજલ ઘરે હતા. ફરી એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ડોક્ટર્સ, આઇ.સી. યુ. પરંતુ હોસ્પિટલ પહોંચતાં પહોંચતાં બેહોશ થઇ ગઇ. બે કલાક બાદ આઇ.સી.યુ.માંથી નીકળતાં ડોક્ટરે જાહેર કર્યું કે, 'વિધિ કોમામાં છે.’
બસ ત્યારથી એટલે કે અઠવાડિયાથી વિધિ આમ જ પથારીમાં પડી છે. સગુણાબહેન આમ જ બેઠાં છે. ડોક્ટરો આવે છે, નર્સને સૂચનાઓ અપાય છે. નળી વાટે દવા અપાય છે, બંને દીકરાઓ જોડે અંગ્રેજીમાં ચર્ચાઓ થાય છે. વહુઓ વારાફરતી આવે છે. માત્ર સગુણાબહેન સ્થિર બેઠાં છે. સગુણાબહેન આજે સવારથી વિચારોના ચકડોળે ચડ્યાં છે. 'આ તે કેવી જિંદગી મારી દીકરીની ? શું શ્વાસોચ્છવાસ ચાલે છે એટલે જિંદગી કહેવાય? કોઇ અવધિ પણ નથી બતાવી શક્તા ડોક્ટરો મારી દીકરીનાં કોમાની અવસ્થાની.’ 'કાયમ સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી એ જ જિંદગી નથી...’ સગુણાબહેનને તેમનાં પતિની વાત રહીરહીને યાદ આવતી હતી.
'જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો?’ સગુણાબહેન આ વિચારથી જ થથરી ગયા. 'અને ન પણ ચાલી, તો બીજી અવસ્થા પણ ક્યાં સારી છે?’ સગુણાબહેન પોતાની જાતને પ્રતિ પ્રશ્ન કરતાં હતાં.
'મમ્મી...’ સુજલ તથા સંગીતા મમ્મીને ઢંઢોળતાં હતાં.
'હં... બેટા...’ સગુણાબહેન ઝબકી ગયા.
'મમ્મી ક્યાં ખોવાઇ ગઇ હતી?’ સુજલ મમ્મી પાસે બેસી ગયો તથા તેનો હાથ હાથમાં લઇ બોલ્યો, 'બધા સારા વાનાં થઇ જશે.’ સંગીતા મમ્મીનો ખભે હાથ રાખી જાણી સધિયારો આપતી હતી.
'બેટા, ડોક્ટરે શું કહ્યું? ’સગુણાબહેને મૂળ પ્રશ્ન કર્યો.
'મમ્મી, ધીમે-ધીમે સારું થઇ જશે.’ સુજલ આડું જોઇ ગયો. ઠાલું આશ્વાસન, મા સમજી ગઇ.
'બેટા, આ બધો ખર્ચ...’ ખચકાતાં સગુણાબહેન બોલ્યાં.
'મમ્મી, તું શું કામ ચિંતા કરે છે ? અમે બન્ને ભાઇઓ છીએ ને...’ સુજલ આશ્વાસનભર્યા સ્વરે બોલ્યો, પરંતુ ધીમેથી સંગીતાથી બોલ્યા વિના ન રહેવાયું, 'સુજયભાઇએ એફ.ડી. તોડાવી નાંખી છે.’
અવાજમાં ડંખ હતો કે સગુણાબહેનને તેવો ભ્રમ થયો-તેઓ સમજી ન શક્યા. સગુણાબહેને નિસાસો નાંખ્યો... બંને દીકરા સારી ફર્મમાં હતાં, પરંતુ હજુ તેમની કરિયરની શરૂઆત હતી. તેમને પોતાનાં ખર્ચા પણ હતા તથા તેમના પોતાનાં પણ બચતનાં ગણિત હતા.
ત્યાં ખબર કાઢવા આવનારા શરૂ થઇ ગયા. દીકરો-વહુ તેમને સંભાળવામાં મશગૂલ થઇ ગયા. ફક્ત સગુણાબહેન દીકરી સામે એકટક જોઇ રહ્યાં હતાં.
'શું અર્થ છે આ જિંદગીનો પણ...’ તેઓ વિચાર્યા કરતાં હતાં. રાત્રે સુજય અને માલા આવ્યાં અને સુજલ-સંગીતા ગયાં. ડોક્ટર રાબેતા મુજબ આવ્યા અને રાબેતા મુજબ પેશન્ટ પાસેથી ન ખાસવાની સૂચના આપતા ગયા.
'સુજય...’ એકાંત મળતાં સગુણાબહેન બોલ્યાં, 'બેટા મને સાચું કહેજે, તને તારા પપ્પાનાં સમ, ડોક્ટર વિધિ માટે શું કહે છે?’
સુજય થોડી વાર મૌન રહ્યો. 'મમ્મી...’ ધીમેથી સુજય બોલ્યો. તેના અવાજમાં થાક, ચિંતા અને વેદના હતાં.
'કંઇ ખબર નથી પડતી. ડોક્ટરનાં કહેવા મુજબ, સમય લાગશે. ક્યારેક મહિનાઓ, વર્ષો પણ જતાં રહે.’ માલાનાં ચહેરા પર પણ ચિંતા હતી. દરેકની ભોગ આપવાની પણ એક મર્યાદા હોય છે તે સગુણાબહેન સુપેરે સમજતાં હતાં. તેમના મોં પર પણ અકથ્ય પીડાની સળ ઉપસી આવી.
મોડી રાત્રે દીકરા-વહુ સવારે આવી જઇશું કહીને ગયાં. નીરવ રાત્રિ પસાર થતી જતી હતી. સગુણાબહેન દીકરી પાસે એમ જ સ્થિર બેઠાં હતાં. મગજમાં વિચારોનો વંટોળ ફૂંકાતો હતો. અનેક પ્રકારના ભાવ મોં પર આવનજાવન કરતાં હતાં. ક્યારેક કુદરતની અકળ લીલા સમજવા કોશિશ કરતાં હતાં, તો ક્યારેક કોઇ નિશ્ચિત સપાટી પર પહોંચવા કોશિશ કરતાં હતાં.
એકાએક તેમણે શરીર ટટ્ટાર કર્યું. ઘડિયાળમાં જોયું રાત્રિનાં ચાર વાગ્યા હતા. દીકરીની પાસે જઇ હળવેથી તેનાં માથે હાથ ફેરવ્યો. ભરાયેલ મન બરફની જેમ પીગળવા લાગ્યું. ઘોડિયામાં સુતેલી દીકરી નજર સામે તરવરવા લાગી અને તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડતાં મન હળવું થતું ગયું. ક્યાં સુધી તેઓ દીકરીને વળગેલાં રહ્યાં, તેનું પણ ભાન નહોતું.
સવારે પેશન્ટના રૂમમાં જાણે વાવાઝોડું ફૂંકાયું હતું. ડોક્ટર, નર્સો તથા સુજ્ય-સુજલના અવાજો સંભળાતાં હતાં.
'મમ્મી..ઇ..ઇ..’ સુજય મમ્મીને હડબડાવતો હતો.
સગુણાબહેન રૂમની બહાર ટાંગેલી ભગવાનની છબી પાસે હાથ જોડી, આંખ બંધ કરી ઊભાં હતાં. સગુણાબહેને ધીરેથી આંખ ખોલી. સુજય મમ્મીની આંખો જોઇ ડરી ગયો. 'મમ્મી, તું બહાર કેમ ગઇ ? ડોક્ટરે પેશન્ટની પાસે જ રહેવા કહ્યું હતું ને...’ સુજયનો અવાજ તૂટવા લાગ્યો.
ત્યાં ડોક્ટર અને સુજલ બહાર નીકળતા વાર્તા કરતા હતા તે શબ્દો સગુણાબહેને કાને પડ્યા. 'સમજાતું નથી કદાચ ક્ષણિક હોય અને અર્ધપાગલ અવસ્થામાં તેણે જ પોતાની નળી કાઢી નાંખી હોય....’ ડોક્ટર માથું ધુણાવતાં બોલતાં હતાં, 'જોકે એમ ભાન આવવાની શક્યતા પણ ઓછી છે, પરંતુ બીજું કોઇ તારણ તો નીકળતું નથી.’
ચારે બાજુ ચહલ-પહલ હતી. સ્થિર હતાં સગુણાબહેન. રૂમનાં ઉઘાડબંધ થતા બારણામાંથી દેખાઇને અલોપ થતી દીકરીના નિર્જીવ દેહને તથા નાકમાંથી નીકળી ગયેલી નળીને તેઓ લાચાર નજરે જોઇ રહ્યાં હતાં.
Comments
Post a Comment
Thanx For Comment